વિજ્ઞાન અને ટેકનોલોજીએ રમતગમતનું કલેવર બદલી નાખ્યું છે

ગોલ્ફ, ટેનિસ, ક્રિકેટ, ફુટબોલ જેવી દડાની રમતગમત સ્પર્ધામાં હાઈ ટેકનોલોજી આવી ગઈ છે  રમતોના દડામાં અવનવી હાઈ ટેકનોલોજી
વિવિધ દડાની રમતો તો આપણે પરાપૂર્વથી રમતા આવ્યા છીએ, પરંતુ આજના યુગમાં દડાઓમાં પણ અનેકવિધ વૈજ્ઞાાનિક અને ટેકનોલોજીની ખૂબીઓ આવી ગઈ છે
સહુ કોઈ જાણે છે દડાની રમતો અનેક છે એટલું જ નહીં પ્રાચીન કાળથી તેની રમતો રમાતી આવી છે. આજે પણ જુઓ તો ક્રિકેટ, ટેનીસ, ટેબલ ટેનીસ, ફુટબોલ, બાસ્કેટ બોલ, હોકી, બેઝબોલ, સ્કવોશ, બિલિયર્ડ, વોલીબોલ, ગોલ્ફ વગેરે વગેરે અનેક રમતોમાં દડો હોય છે. આપણાં પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ગોકુળમાં શ્રી કૃષ્ણ પણ છુટ દડી કે ગેડી દડાની રમતો રમતા હતા. મેકિસકોની મૂળ વતની એવા એઝટેક લોકોએ રબ્બરના દડાની શોધ કરેલી. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ ડમ્બન્ગ તરીકે ઓળખાતા દડાની શોધ કરી હતી. આપણાં દેશમાં અગાઉ કપડાનાં ગંઠેલા દડાનો રમવા માટે લોકો ઉપયોગ કરતા હતા. હજારો વર્ષથી દડાની રમતો રમાય છે. દડા અને તેનાથી રમવા માટે વપરાતાં અનેક ઉપકરણોમાં અનેક સુધારા વધારા થયા છે.
એકાદ હજાર વર્ષ પહેલાં સુધી તો દડાની રમતો રમવા માટેના મૂળભૂત ઉપકરણો યથાવત રહ્યા છે. ગોલ્ફ, હોકી, ટેનિસના ઉપકરણો બદલાયા ન હતા. ક્રિકેટ બેટનો સૌથી પહેલો સંદર્ભ ૧૬૨૪ માં મળે છે. તેમાં જણાવ્યા પ્રમાણે એક ફીલ્ડર દડાના કેચ કરવા પ્રયત્ન કરતો હોય છે ત્યારે તેને બેટનો ફટકો વાગ્યો અને તે મૃત્યુ પામ્યો. કારણ કે તે બેટ લોખંડનું બનેલું હતું.
૧૯મી સદીના અંત સુધી તો એરા નામના જંગલના એક ઝાડના લાકડામાંથી ટેનિસના રેકેટ બનતા હતા. તેની જાળીની દોરી ઘેટાંની આંત્રનળીમાંથી બનાવવામાં આવતી હતી. બીજા વિશ્વ યુદ્ધ પછી તેના બદલે ગાયની આંત્ર નળીમાંથી બનાવવામાં આવતી હતી. કારણ કે તે સસ્તી પડતી હતી. ૧૯૭૯ સુધી વૈશ્વિક સ્તરે ટેનિસના રેકેટના માપ અને રચના માટેના કોઇ નિયમો ન હતા. તેથી ઘણી બધી શોધખોળો થઈ. ઘણી જાતના લાકડા અને અન્ય વિકલ્પોના પ્રયોગો થયા.

ટેનિસમાં ટેકનોલોજીના અવનવા પ્રયોગોનો મુખ્ય ઉદ્દેશ શોટની તાકાત વધારવાનો હતો. ૧૯૭૦ના દાયકામાં મોટા પાયે ધાતુના રેકેટ વપરાતા હતા. તેમાં એલ્યુમિનિયમ અને પોલાદનો ઉપયોગ થતો હતો. પરંતુ ટોચના ખેલાડીઓ એવી સંગ્રથિત ફ્રેમને પસંદ કરે છે જેમાં ગ્રેફાઇટનું જુદા જુદા પદાર્થો સાથે મિશ્રણ કરવામાં આવ્યું હોય. આ પદાર્થોમાં સીરા મિક્સ, બોરોન અને કેવલર હોય છે. આપણે જાણીયે છીએ કે કેવલરનો ઉપયોગ બખ્તર તરીકે પણ થાય છે. આજના ગ્રેફાઇટ રેકેટનો મુખ્ય ઉદ્દેશ તેની દ્રઢતા છે. અલબત્ત તેનું હલકાપણું મુખ્ય ઉદ્દેશ નથી. કારણ કે રેકેટમાં દ્રઢતા હોય તો તે દડાના સંપર્કમાં આવે ત્યારે તે જે સહેજ વિકૃત થતું હોય છે તે થાય નહીં. છેલ્લામાં છેલ્લી જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેમાં પીઝો-ઇલેકટ્રીક સ્ફટિકોને જોડવાનો સમાવેશ થાય છે. આ સ્ફટિકો એવા છે જયારે તેના પર દબાણ કે તણાવ લાગુ પડે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. ઘડિયાળોમાં અને લાઇટરોમાં તેનો ઉપયોગ થાય છે. જયારે દડો રેકેટની જાળી સાથે અથડાય છે ત્યારે તે વિદ્યુત ઉત્પન્ન થાય છે તેનો વિદ્યુત પ્રવાહ હેન્ડલમાં જાય છે. ત્યાં તેનું વિવર્ધન થાય છે અને તે ફ્રેમમાં રહેલી સિરામિક મિશ્રણમાં પાછો વહીને જાય છે, તેનાથી ફ્રેમની દ્રઢતા વધે છે. પરિણામે વધારે તાકાત દડાને ફટકારવમાં મળે છે અને ધુ્રજારી ઓછી થાય છે. અલબત્ત હજુ પ્રથમ વર્ગના ખેલાડીઓ છે જે હજુ લાકડાના રેકેટને પસંદ કરે છે.

બીજી દડાની રમત ગોલ્ફ છે. આપણાં દેશમાં તે ધનિકોની રમત ગણાય છે. તેનું ટેકનોલોજી સાથે જોડાણ ટકાવ રહ્યું છે. ગોલ્ફ દડાને ફટકારવા કે ગતિ આપવા જે ઉપકરણ વપરાય છે તેને કલબ કહે છે. તેનો દેખાવ એક લાકડી જેવો હોય છે. તેના છેડાને ખાસ આકાર આપેલ હોય છે. શરૃઆતમાં તે હોલી અથવા એપલ વૃક્ષના ભારે અને સખત લાકડામાંથી હાથથી કાપી કૂપીને છોલીને બનાવવામાં આવતા હતા. આમ તે હાથ કારીગરીથી બનાવવામાં આવતા હતા. ચામડાથી મઢેલા તેના દાંડાનો ઉપયોગ અઢારમી સદી સુધી ચાલ્યો. તે પછી તેની જગ્યાએ ધાતુ વપરાવા લાગી. ધાતુના શિર્ષ ઘણા વખત સુધી સામાન્ય વપરાતાં રહ્યા. ૧૯૨૦ના દાયકામાં પોલાદના દંડને કાયદેસર ગણવામાં આવ્યા.

પરંતુ ક્રિકેટ, બેઝબોલ અને ટેનિસનું નિયંત્રણ કરતી સંસ્થાઓએ ટેકનોલોજીકલ ફેરફારને પ્રતિરોધ કર્યો. ટેબલ ટેનિસમાં તો સખત રૃઢીચુસ્તતા દાખવવામાં આવી. ક્રિકેટ બેટ તો હોકી સ્ટીક જેવા હતા. બોલિંગની નવી નવી ટેકનીકોને કારણે સમાંતર બાજુઓ વિલો બેટ બન્યા. ટેકનોલોજીકલ શોધોથી બેટમાં ફેરફાર કરવાનો ઝનૂન પૂર્વક વિરોધ થતો આવ્યો છે. હવે ક્રિકેટ બેટની પ્રમાણિકતા સ્પષ્ટ પણે નિશ્ચિત કરવામાં આવી છે. તે મુજબ લાકડાનું ફલક હોવું જોઈએ અને તેના પર લગાડવામાં આવેલ પદાર્થ ૧.૫૬ મિલિમીટર જાડાઈથી વધારે ન હોવો જોઈએ. પરંતુ સદનસીબે બેટનું હેન્ડલ અને બેટનું વજન ખુલ્લુ રાખવામાં આવેલ છે. નેતર અને રબ્બરનું પરંપરાગત બેટનું હેન્ડલ હવે બદલવામાં આવ્યું છે. હવે હેન્ડલ પોલીમર યુક્ત કાર્બન ફાઈબરનું બનાવવામાં આવે છે. તેના પદાર્થનું બંધારણ એવું છે કે બેટના ફલકમા નીચેના ભાગમાં વધારે વજન હોય છે. આજના બેટસમેન ડોનાલ્ડ બ્રેડમનેના બેટ કરતાં એક તૃતીયાંશ વધારે વજન ધરાવતા બેટનો ઉપયોગ કરે છે. આધુનિક બેટના હેન્ડલમાં ઘણી કરામત હોય છે. તેમાં ઇલેકટ્રોનિક શંટ સર્કીટ હોય છે અને વાઇરીંગ હોય છે. હેન્ડલના નીચલા ભાગમાં મંદક હોય છે જે ધુ્રજારીનું ઉષ્મામાં રૃપાંતર કરે છે. બેટના ફલક પર એક સ્વીટ સ્પોટ હોય છે. આ બેટના ફલકમાં એવું સ્થાન છે જેનાથી દડાને ફટકો મારે તો બહુ ઓછી તકલીફ પડે છે. આ સ્વીટ સ્પોટનું માપ ધુ્રજારી ઘટાડવા માટે ટેકનોલોજી વધારે છે.

મોટાભાગની રમતોમાં દડાનું ભૌતિક વિજ્ઞાાન મહત્વનો ભાગ ભજવે છે. જેની સંપૂર્ણતઃ ચકાસણી કરવામાં આવી છે તે પૈકી એક ગોલ્ફના દડા છે. ગોલ્ફના દડા સર્વોત્તમ હોય છે અને આરંભના દડા પણ તે વખતની ટેકનોલોજીની શ્રેષ્ઠ કૃતિ હતા. મલયેશિયાના સેપોડિલ્લા વૃક્ષના રસમાંથી બનાવેલા ગટી દડાઓ એક ક્રાંતિકારી પ્રયત્ન હતો. ગટ્ટી દડાને ગટપર્યા દડા પણ કહે છે. ગટખર્ચા, એક જાતનું રબ્બર છે. તે પહેલાં કમાવેલા ચામડાના ત્રણ ટુકડાને એકબીજા સાથે સીવવામાં આવતાં અને તે પછી તાજા ઉકાળેલા હંસ પક્ષીના પીંછાઓ મજબૂતાઈથી ભરીને ફેધરિ દડા બનાવવામાં આવતાં. ઉપર જણાવ્યા પ્રમાણે સીવી લીધા પછી દડાને હથોડો તે ભીનો હોય ત્યારે જ હથોડા મારી આકાર આપવામાં આવતો હતો. તેની અંદરના સુકાતા પીંછાના વિસ્તરણને કારણે તે પાછળથી ખૂબ સખત થઇ જાય છે. આ ફેધરિ દડા સૌ પ્રથમ ગોલ્ફના દડા હતા.
આધુનિક 'હાસ્કેટ' દડા હજુ ૧૦૦ વર્ષો પહેલાં જ શોધાયા. તેનું હાર્દ રબ્બરનુ હોય છે. તે નક્કર હોય છે. તેનું ગંઠન રબ્બરના દોરાથી કરેલું હોય છે. તેને 'બલાટા' નામના ખાડા ખાડા વાળા આવરણમાં પૂરી દીધેલ હોય છે. 'બલાટા' અસ્થિતિસ્થાપક લેેટેકસનો પ્રકાર છે. લેટેકસ એટલે રબ્બરનું ખીરૃં એવો અર્થ થાય છે. આ દડાને 'ડીમ્પલ્ડ' દડા કહે છે. પ્રાયોગિક ધોરણે વાતિલ (ન્યુમેરિક) દડા બનાવ્યા હતા. પરંતુ હાસ્કેટ દડાનો ફાયદો એ હતો કે તે ગરમીમાં કદી વિસ્ફોટ પામતા ન હતા.
ઇ.સ. ૧૭૦૦ પછી ક્રિકેટના દડામાં પણ તે જ ટેકનોલોજીને અનુસરવામાં આવી છે. બુચમાંથી બનાવેલા ગોળાકાર સખત હાર્દ ફરતે ચામડાનું પડ સીવવામાં આવેલ હોય છે, તે પ્રમાણભૂત રહ્યા. આખી ૧૯મી સદી સુધી તેમાં કોઇ બદલાવ આવ્યો નહીં. ક્રિકેટના દડાનો રંગ હંમેશા લાલ રાખવામાં આવતો હતો. થોડા વર્ષો પહેલાં તો માત્ર ટેસ્ટ મેચ જ રમાતી હતી. વન-ડે કે ૨૦-ટવેન્ટી રમાતી ન હતી. ડે એન્ડ નાઇટ મેચો પણ ન હતી. તે વખતે ક્રિકેટના દડાનો રંગ લાલ રાખવાનું કારણ એ છે કે પ્રકાશના બીજા બધા રંગો કરતાં લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે. તેથી તે દૂર સુધી વીખેરાયા વિના પહોંચી શકે છે. આપણે જાણીયે છીએ કે બધા જ ભય સૂચક સંકેતો લાલ રંગના જ હોય છે. કારણ કે તે દૂરથી પણ સહેલાઇથી જોઇ શકાય છે. ક્રિકેટના વિશાળ મેદાનમાં લાલ રંગનો દડો સ્હેલાઇથી ઓળખાય છે પરંતુ હવે ડે એન્ડ નાઇટ મેચો શરૃ થતાં તેમાં ફેરફાર થયો છે.

ફુટબોલ પણ દડાની રમત છે. ઇતિહાસકારો માને છે કે ફુટબોલની રમત માનવ સભ્યતા જેટલી જુની છે. આજે પણ ફુટબોલની વૈશ્વિક સ્પર્ધા પાછળ લોકો ગાંડા થઇ ગયા હોય તેમ વર્તે છે અને ખેલાડીઓ ઝનૂનપૂર્વક ખેલે છે. થોડા મહિનાઓ પહેલા દક્ષિણ આફ્રિકામાં ફુટબોલ વૈશ્વિક સ્પર્ધા યોજાઈ ગઈ તે આપણે જાણીએ છીએ. જો કે આ રમતમાં ભારત હજુ ઘણું પાછળ છે. ચીનાઓ અને દક્ષિણ અમેરિકનો ગોળાકાર જેવી વસ્તુને લાત મારી રમતા હતા. પરંતુ ૧૮૬૨માં પ્રથમ રબ્બરની બ્લેડર (હવા ભરીને ફુલાવી શકાય તેવી રબ્બરની કોથળી જેને ટયૂબ પણ કહે છે) અમલમાં આવી ત્યારે એક રમત તરીકે તેને ગંભીરતાથી લેવામાં આવી. ફુટબોલની રમતને સોકર ની રમત પણ કહે છે. તે પહેલાં ફુટબોલ ફુલાવેલ પ્રાણીની બ્લેડર હતા. તેને બહારના ભાગમાં ચામડાનું પડથી તે રક્ષિત હતી. શરૃઆતના ફૂટબોલ ગોળાકાર ન હતા કારણ કે બ્લેડર ગોળાકાર ન હતી. તે સ્હેજ લંબગોળ હતા. આજે પણ તેનો ઉપયોગ અમેરિકન ફુટબોલ અને રગ્બીની રમતોમાં થાય છે. પરંતુ ૧૮૩૨ સુધી કોઇ નિયમો ન હતા. ૧૮૭૨માં ઇંગ્લેન્ડનું ફુટબોલ એસોસીયેશન નિયમો બનાવી રહ્યું હતું, આશ્ચર્યની વાત છે કે ઘણા વર્ષો સુધી ફુટબોલના દડામાં બહુ ઓછા ફેરફાર થયા છે. બ્લેડર અને તેના ફરતેના ચામડાના કવર વચ્ચે કપડાનું એક પડ ઉમેરવા સિવાય ખાસ કોઇ ફેરફાર થયા નથી. કમાવેલા ગાયના ચામડામાંથી સીવેલા ૧૮ વિભાગના બહારના કવરને બદલવા સિવાય કોઇ ફેરફાર થયો નથી. આધુનિક બદલાવમાં એકબીજા સાથે ભીડાયેલ તકતીઓથી બહારનું કવર બનેલ છે. મુખ્ય સમસ્યા ચામડાનો દડો ભેજવાળા વાતાવરણમાં કે ભીનાશ વાળા મેદાનમાં પાણીને શોષે છે તે છે. તેનાથી તે ભારે થઇ જાય છે અને તેને માથું મારવું જોખમી થઇ જાય છે. આપણે જાણીયે છીએ કે ફુટબોલની રમતમાં ઘણીવાર ખેલાડી દડાની સાથે માથું ભટકાવી ખેલતા હોય છે.
આધુનિક દડામાં સીધી લીટીમાં ગતિને પસંદ કરવામાં આવે છે. દડાની સપાટી પર નાના નાના ખાડાઓની સંખ્યા, માપ અને તેમની વચ્ચેની જગ્યા તેમજ દડાના હાર્દના વજન પર દડો કેટલું અંતર કાપશે તે આધાર રાખે છે. પોલીયૂરેથેઇનના બહારના ભાગ વાળો ત્રણ સ્તરીય દડો નીચી ઉડાન ભરતો અને ધીમું ચક્રણ કરતો દડો હોય છે.

જયારે ભૌતિકવિજ્ઞાાનીઓ ફુટબોલ પર કામ કરવા લાગ્યા ત્યારે ફુટબોલની રમતો પર નિયંત્રણ રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા- ફિફા એ ફુટબોલનું પ્રમાણભૂત માપ, તેમાની હવાનું દબાણ, આકારની જાળવણી અને વજન જેવી લાક્ષણિકતાઓ સ્થાપિત કરી તેણે તો જે દ્રવ્યોમાંથી ફુટબોલ બનાવી શકાય તેનું પણ નિયમન કર્યું.

સૌ પ્રથમ પોલીયૂરેથેઇનનો સંશ્લેષિત દડો ૧૯૮૬માં વર્લ્ડ કપમાં ઉપયોગમાં લેવાયો હતો. તે ભેજ શોષે ત્યારે તેના વજનમાં થતો વધારો ૧૦ ટકાથી વધારે ન થવો જોઈએ. પરંતુ ૨૦૦૬ વર્લ્ડ કપમાં આ વધારો ૦.૧ ટકાથી વધુ થયો ન હતો. દડો ઓછો ભેજ શોષે તે માટે તેની પાણીની પ્રતિરોધકતામાં સુધારો કરવામાં આવ્યો હતો. તે માટે ચકતીઓનું જોડાણ કરવા પરંપરાગત શીવણના બદલે ઉત્મીયરીત (થર્મલ બોન્ડીંગ) નો ઉપયોગ કરવામાં આવેલ. આજનો અતિ ઉદવિકસીત પ્રથમ વર્ગના ફુટબોલની સપાટીના અંતરાય તેની અને બુટ વચ્ચેનું ઘર્ષણ મહત્તમ કરે છે. સામાન્યતઃ ફુટબોલની સપાટી ૩૨ ષટકોણાકાર ચકતીઓને જોડીને બનાવવામાં આવે છે. પણ ૨૦૦૬માં જર્મનીમાં યોજાયેલ વર્લ્ડ કપમાં માત્ર ૧૪ ચકતીઓને સંખ્યા જોડીને ફુટબોલ બનાવવામાં આવેલ. તેથી પણ આગળ ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ સ્પર્ધામાં આઠ ચકતી જોડીને જાબુલીની બોલ વપરાયો હતો. આઠ ચકતી આ દડાની સપાટીની સંરચના એવી હોય છે કે દડો ઉડાન સરળતાથી ભરે છે. દડાનો ઘાટ ગોળાકાર હોય છે. તેની ચકતીઓને સીવેલી નથી હોતી પરંતુ ઉષ્મીય રીતથી જોડેલી હોય છે. તે પોતાનો આકાર જાળવી રાખે છે. તે એક સાંધા વગરનો ગોળો બને છે. આમ વિવિધ રમતોમાં વપરાતાં દડાઓની ટેકનોલોજીએ આશ્ચર્ય થાય તે પ્રમાણમાં તેમાં ફેરફારો કર્યા છે.

ડૉ. વિહારી છાયા

powered by Blogger | WordPress by Newwpthemes | Converted by BloggerTheme